અવાજથી શરૂઆત કરીને AIના લાભોનો વિસ્તાર

Anna Makanju દ્વારા

આજે OpenAI Foundation વિશ્વની ભાષાઓમાં AI કાર્યક્ષમ બને તે સુનિશ્ચિત કરવા ગેટ્સ ફાઉન્ડેશન અને વિશ્વભરના ભાગીદારો સાથે સહિયારી પ્રતિબદ્ધતામાં જોડાયું.

કોઈ વ્યક્તિ કઈ ભાષા બોલે છે તેના આધારે AIના લાભો સુધીની તેની પહોંચ મર્યાદિત ન હોવી જોઈએ. તેમ છતાં, અબજો લોકો માટે, ખાસ કરીને જેમની ભાષાઓને લાંબા સમયથી ટેક્નોલોજીમાં પૂરતું સમર્થન મળ્યું નથી, આજનાં AI મોડલ ઘણાં ઓછાં સક્ષમ અને ઉપયોગી છે.

AIના લાભો વ્યાપકપણે સૌને મળે તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવા, અમે ઓછાં સંસાધનો ધરાવતી ભાષાઓમાં મોડલની કામગીરી સુધારવાને અમારા કાર્યનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની યોજના ધરાવીએ છીએ. અમે અવાજ-આધારિત AI માટેના ડેટા અને માળખાથી શરૂઆત કરીશું, કારણ કે તેમાં કામગીરી અને ઉપલબ્ધ ડેટાની ખામીઓ ખાસ કરીને મોટી છે. અમારું ધ્યાન એવી ભાષાઓ પર રહેશે, જેમાં પૂરતું વ્યાવસાયિક રોકાણ થવાની શક્યતા ઓછી છે.

ઘણા લોકો માટે ટેક્નોલોજી વાપરવાની સૌથી સ્વાભાવિક અને સુલભ રીત બોલીને વાત કરવાની છે. સક્ષમ અવાજ મોડલ અમારી પાસેથી અનુદાન મેળવનારાઓ અને બીજી ઘણી સંસ્થાઓને વધુ સમુદાયો સુધી સેવા પહોંચાડવામાં મદદ કરી શકે છે. આરોગ્ય સેવાને ફોન કરનાર દર્દી પોતાનાં લક્ષણો વર્ણવી શકે, પોતાની ભાષામાં વધુ પ્રશ્નોના જવાબ આપી શકે અને યોગ્ય સારવાર સાથે જોડાઈ શકે. કોઈ મહિલા ખેડૂત પોતાની ભાષામાં બોલીને પ્રશ્ન પૂછે, તો તેને પોતાની જમીન અને પાકને અનુરૂપ વાવેતરની સલાહ મળી શકે.

વિશ્વની સૌથી મોટી બિનસરકારી સંસ્થા BRACના મુખ્ય કાર્યકારી અધિકારી આસિફ સાલેહ કહે છે કે, “જ્યારે [BRAC]એ બાંગ્લાદેશમાં અમારા આરોગ્યકર્મીઓ માટે AI નોંધલેખક વિકસાવવાનું શરૂ કર્યું, ત્યારે બાંગ્લા ભાષામાં મોડલની મર્યાદાઓને કારણે અમારે અટકી જવું પડ્યું. અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ, તેમના માટે આ ટેક્નોલોજી સુધી પહોંચવાનો એકમાત્ર વ્યવહારુ માર્ગ અવાજ છે. તેથી અમારી જેવી ભાષાઓમાં તેને યોગ્ય રીતે કાર્યરત કરવું એ નક્કી કરશે કે AI અમે પહોંચીએ છીએ એવા 14.5 કરોડ લોકો માટે ખરેખર ઉપયોગી બનશે કે તેમના જીવનમાં ભાગ્યે જ કોઈ ફેર પાડશે.”

AGIથી સમગ્ર માનવજાતને લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પડકારના ઉકેલમાં નોંધપાત્ર પ્રગતિ કરવી જરૂરી છે. આ અંતર દૂર કરવા પ્રતિબદ્ધ સંસ્થાઓ, દેશો અને નેતાઓના ગઠબંધનનો ભાગ હોવાનું અમને ગૌરવ છે. અમારા ભાગીદારો સાથે આ કાર્યને આગળ વધારતાં અમે વધુ માહિતી આપવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.

એક મહિલા ખેતરમાં ઊભી રહીને પોતાના મોં પાસે સ્માર્ટફોન પકડી રહી છે.