પોલ ક્રિસ્ટિયાનો OpenAI Foundation બોર્ડમાં જોડાયા
પોલ ક્રિસ્ટિયાનો ફાઉન્ડેશનની સલામતી અને સુરક્ષા સમિતિમાં પણ જોડાશે.
અમે OpenAI Foundation બોર્ડમાં પોલ ક્રિસ્ટિયાનોની નિમણૂકની જાહેરાત કરી રહ્યા છીએ. તેઓ OpenAI ગ્રૂપ પીબીસીના બોર્ડમાં મતાધિકાર વિનાના નિરીક્ષક રહેશે.
પોલ ફાઉન્ડેશન બોર્ડની સલામતી અને સુરક્ષા સમિતિમાં પણ જોડાશે અને તેના અધ્યક્ષ ઝીકો કોલ્ટર સાથે કામ કરશે. સલામતી અને સુરક્ષા સમિતિ OpenAI ગ્રૂપ પીબીસી સહિત સમગ્ર OpenAIમાં સલામતી અને સુરક્ષાની કાર્યપદ્ધતિઓનું શાસન સંભાળે છે.
રાષ્ટ્રીય માનક અને પ્રૌદ્યોગિકી સંસ્થા (નિસ્ટ) હેઠળના એઆઈ ધોરણો અને નવીનતા કેન્દ્ર (કૈસી)માં કામ કરીને પોલે બે અલગ વહીવટીતંત્રોના કાર્યકાળ દરમિયાન સરકારી અનુભવ મેળવ્યો છે. નિસ્ટ અમેરિકાના વાણિજ્ય વિભાગની સંસ્થા છે, જ્યાં તેઓ વરિષ્ઠ તકનીકી સલાહકાર છે. કૈસી અને તેની પૂર્વવર્તી સંસ્થા, અમેરિકાની એઆઈ સલામતી સંસ્થામાં કામ કરતી વખતે પોલે અત્યાધુનિક એઆઈ મોડલનું મૂલ્યાંકન કર્યું છે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરી શકે તેવી ક્ષમતાઓનું મૂલ્યાંકન અને તેની સાથે સંકળાયેલાં સલામતી તથા સુરક્ષાનાં જોખમો ઘટાડવાના અભિગમો પરનું કામ પણ સામેલ છે.
પોલ અલાઇનમેન્ટ રિસર્ચ સેન્ટર (એઆરસી)ના સ્થાપક પણ છે. આ બિનનફાકારક સંશોધન સંસ્થા અદ્યતન એઆઈ પ્રણાલીઓને માનવહિત સાથે સુસંગત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2017થી 2021 દરમિયાન પોલે OpenAIમાં એઆઈને માનવહિત સાથે સુસંગત બનાવવાના સંશોધનનું નેતૃત્વ કર્યું અને હ્યુમન ફીડબેકથી રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ (RLHF)ના પાયાના કામમાં યોગદાન આપ્યું. આ નવી ભૂમિકામાં પોલ OpenAIના ધ્યેય માટે કેન્દ્રસ્થાને રહેલા શાસન સંબંધી નિર્ણયોમાં એક વિશિષ્ટ અને તકનીકી સમજ પર આધારિત દૃષ્ટિકોણ ઉમેરશે.
વધુ ને વધુ સક્ષમ બનતી પ્રણાલીઓ ઊભા કરે છે તેવા સૌથી અઘરા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરીને અને કઠોર સંશોધન દ્વારા પોલે એઆઈને માનવહિત સાથે સુસંગત બનાવવાના ક્ષેત્રને આકાર આપવામાં મદદ કરી છે. OpenAI અત્યાધુનિક એઆઈ વિકસાવવાનું અને ઉપયોગમાં મૂકવાનું ચાલુ રાખે છે ત્યારે, સરકારમાં અત્યાધુનિક એઆઈની સલામતી અને ધોરણો પર કામ કરવાનો તેમનો અનુભવ અને તેમની તકનીકી પરખ બોર્ડની દેખરેખ અને સલામતી અને સુરક્ષા સમિતિના કાર્યને મજબૂત બનાવશે.
છેલ્લા વર્ષમાં એઆઈની ક્ષમતાઓ ખૂબ ઝડપથી આગળ વધી છે, જ્યારે તેને માનવહિત સાથે સુસંગત બનાવવાનું હજી પણ એક અઘરો તકનીકી પ્રશ્ન છે. તેથી સલામતી અને સુરક્ષા સમિતિની જવાબદારી અગાઉ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ અને વધુ પડકારજનક બની છે. આ કાર્યમાં મદદ કરવા માટે ટીમમાં જોડાવા હું ઉત્સાહિત છું.
એઆઈની ક્ષમતાઓ એક નવા યુગમાં પ્રવેશી રહી છે. તેથી આ પ્રણાલીઓની પ્રગતિની સાથે મજબૂત સલામતી, સુરક્ષા, માનવહિત સાથેની સુસંગતતા અને શાસન સુનિશ્ચિત કરવાનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. એઆઈને માનવહિત સાથે સુસંગત બનાવવાના સંશોધનમાં પોલે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અદ્યતન એઆઈ વિનાશક જોખમો ઊભાં કરી શકે તેવી શક્યતાને ગંભીરતાથી લીધી છે. તેમનો દૃષ્ટિકોણ રહ્યો છે કે પ્રણાલીઓની ક્ષમતાઓ વધુ જોખમી સ્તરે પહોંચે તે પહેલાં જ વિકાસકર્તાઓએ તૈયારી કરવી જરૂરી છે. ઉદ્યોગનાં સુરક્ષા પગલાં પૂરતાં છે કે નહીં તે અંગે તેઓ સ્વતંત્ર રીતે પોતાનો મત રજૂ કરતા રહ્યા છે. અમારું માનવું છે કે પ્રચલિત ધારણાઓને પડકારવા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયોના આધારરૂપ પુરાવા, સુરક્ષા પગલાં તથા જવાબદારીને મજબૂત કરવામાં મદદ કરવા તૈયાર હોય તેવા લોકો ફાઉન્ડેશનના શાસનને વધુ મજબૂત બનાવે છે.
પોલની નિમણૂક ઑક્ટોબર 2025માં OpenAIની મૂડીનું પુનર્ગઠન કરીને સ્થાપિત કરવામાં આવેલા શાસન માળખાને આગળ વધારે છે. તેમાં કેલિફોર્નિયાના મહાન્યાયવાદી અને ડેલાવેરના મહાન્યાયવાદી દ્વારા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલી સમીક્ષાઓના સંદર્ભમાં અપાયેલી પ્રતિબદ્ધતાઓ પણ સામેલ છે. તેમની સહભાગિતાએ શાસન માળખાને મજબૂત બનાવવામાં મદદ કરી.
OpenAI Foundation વિશે
OpenAI Foundation એક સખાવતી સંસ્થા છે, જે એઆઈનો લાભ સમગ્ર માનવજાતને મળે તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે. એક અલગ બિનનફાકારક સંસ્થા તરીકે ફાઉન્ડેશન પોતાની સખાવતી પ્રવૃત્તિઓ ચલાવે છે. સાથે જ તે OpenAI ગ્રૂપ પીબીસી પર નિયંત્રણ જાળવે છે અને તેમાં નોંધપાત્ર માલિકી હિસ્સો ધરાવે છે. ફાઉન્ડેશન એવી પહેલોને ટેકો આપે છે જે વૈજ્ઞાનિક શોધોને આગળ વધારે, નાગરિક સમાજને મજબૂત બનાવે અને જવાબદાર એઆઈ દ્વારા પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવે. અનુદાન, ભાગીદારી અને અન્ય પરોપકારી પહેલો દ્વારા ફાઉન્ડેશન એવા કામને વેગ આપવામાં મદદ કરે છે જે લાંબા ગાળાનું જનહિત સર્જે અને વધુ લોકોને એઆઈની પરિવર્તનકારી ક્ષમતાનો લાભ પહોંચાડે.
ફાઉન્ડેશન OpenAI ગ્રૂપ પીબીસીનું નિયંત્રણ સંભાળે છે અને સલામતી અને સુરક્ષા સમિતિ ફાઉન્ડેશન બોર્ડની એક સમિતિ છે. www.openaifoundation.org પર વધુ જાણો.
*વરિષ્ઠ તકનીકી સલાહકાર તરીકે પોલ OpenAI સંબંધિત તમામ બાબતો તેમજ મોડલનાં તમામ મૂલ્યાંકનોથી પોતાને અલગ રાખશે.